મારા જ્ઞાતિબંધુઓ
સૌને મારા વંદન,
શ્રી અખિલ આંજણા સમાજ સેવા મંડળ અંબાજીની ૩૫ મી સાધારણ સભા પ્રસંગે સૌને આવકારું છું. સંસ્થાના સર્વે પદાધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ, સર્વે સભ્યશ્રીઓ તથા ઉપસ્થિત સૌ ભાઈઓ તથા બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થાનો ૨૦૧૬-૧૭ ના વર્ષનો વાર્ષિક અહેવાલ રજુ કરતાં હર્ષની લાગણી અનુભવું છું.
આપણા સામાજના દીર્ઘદ્રષ્ટાવાળા વડીલોએ વર્ષો પહેલાં સમાજની ભાવી જરૂરિયાતની ચિંતા કરી છે અને ખુબજ વિશાળ જગ્યામાં આપણા ચૌધરી વિશ્રાંતિગૃહનું નિર્માણ કર્યું છે. આજે સમયની સાથે આધુનિક સગવડો સમાજના યાત્રાળુઓને મળી રહે તેવી વ્યવસ્થા આપણે ઉભી કરી શક્યા છીએ. આપણી ઉત્તમ વ્યવસ્થાથી યાત્રિકો સંતોષ વ્યક્ત કરે છે. જેના યશભાગી આપણા વડીલો, દાતાશ્રીઓ અને મારા સૌ સાથી કાર્યકારી મિત્રો પણ છે. જે ખરેખર આપણા સમાજની ઉદારતાની પ્રતીતિ થાય છે. જેની હું ગૌરવની લાગણી અનુભવું છું. આ તબક્કે એ સર્વેનો હું આભારી છું.
ઉદાર દાતાશ્રીઓ તરફથી સારું એવું દાન મળતું રહે છે. જેનો સદઉપયોગ વિશ્રાંતિગૃહમાં આધુનિક સગવડો પૂરી પાડવા માટે આપણે કરીએ છીએ. ભોજનાલયમાં પણ નહિ નફો, નહિ નુકસાનના ધોરણે યાત્રિકોને પૌષ્ટિક આહાર મળી રહે તેવી ભોજનની વ્યવસ્થા આપણે પૂરી પડી શક્યા છીએ. જેનો લાભ સૌ યાત્રિકો લે છે. અને સંતોષની લાગણી અનુભવે છે.
ગત વર્ષે સંસ્થાનો ૪૨૮૧૫ હજાર જેટલા યાત્રીકોએ લાભ લીધેલ છે. અન્ય સેમિનારો પણ અવાર નવાર થયા છે. સંસ્થાએ આ વર્ષે ૧૬૪૦ ચોરસ વાર જેટલી જમીન સંસ્થાના એક ભાગમાં અન્ય માલિકીની હતી તે પણ સંસ્થાએ ખરીદી લીધેલ છે. અન્ય નવિન વધુ એ.સી. રૂમો પણ બનાવ્યા છે. અને હજુ સમયની તાતિ જરૂરીયાતને અનુલક્ષીને આધુનિક સગવડો આપવા અને તમામ સુધારા વધારા કરવા અમો વિચારી રહ્યા છીએ.
સંસ્થાની સ્વચ્છતા અને અન્ય સગવડો માટે ખુબજ કાળજી લેવાય છે. હજુ વધુ સારી સગવડો સમાજના યાત્રીકોને મળે તે માટે અમો સૌ કાર્યકારી મિત્રો કટિબદ્ધ છીએ. અને યથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ.
આ સાથે સમાજના દાતાશ્રીઓ પણ આર્થિક પ્રેરકબળ પૂરું પાડે છે. તેથી નવિન જરૂરી બાંધકામ શક્ય બની શક્યું છે. સમાજને આગળ લાવવાની અને સહકારની ભાવનાથી આપણા વિશ્રાંતિગૃહનું સુચારૂ રૂપથી સંચાલન થઇ રહ્યું છે અને હજુ વધુ સંસ્થાના વિસ્તરણ માટે અમારા યથાગ પ્રયત્નો ચાલુ છે.
આ પ્રસંગે સમાજના સૌ સહભાગી મિત્રોનો સહકાર સોપડ્યો છે, તે બદલ સૌનો આભાર માનું છું. સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આપણે સૌ સાથે હળીમળીને રહીએ અને સમાજને વધુ સેવાઓ આપીએ તેવી આશા રાખું છુ. માં અંબા સૌનું કલ્યાણ કરે એવી હૃદયની લાગણી સાથે શુભ ભાવનાઓ, શુભ કામનાઓ પાઠવું છું. સૌને મારા જય અંબે...
દિલીપભાઈ જેઠાભાઈ ચૌધરી
મહામંત્રીશ્રી
શ્રી અખિલ આંજણા સમાજ સેવા મંડળ, અંબાજી