વ્હાલા સમાજ બંધુઓ,
નમસ્કાર !
શ્રી અખિલ આંજણા સમાજ સેવા મંડળ અંબાજી વતી આ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સંસ્થા ૩૫ વર્ષ પૂર્ણ કરી સમાજના શ્રેષ્ઠીઓના સાથ સહકારથી આગળ વધી ૩૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે હું આનંદની લાગણી અનુભવું છું.
આપણું “ચૌધરી વિશ્રાંતિગૃહ” વધુ આધુનિક સગવડોથી સજ્જ કરેલ છે. સમયની માંગ પ્રમાણે વિશ્રાંતિગૃહમાં વધુ સારી સગવડો પૂરી પાડવાની કોશીશો કરેલ છે. સંસ્થાની સગવડોથી યાત્રીઓ સંતોષ વ્યક્ત કરે છે. તે જાણીને અમોને ખુબજ આનંદ થાય છે. આ બધુ સંસ્થાના દાતાશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, મારા સાથી કાર્યકરોના સઘન પ્રયત્નોથી શક્ય બન્યું છે. તેનો શ્રેય આ સમાજને જાય છે.
આ સંસ્થા થાકી આપણે બધા સંગઠીત થયા છીએ, એક થયા છીએ, એકબીજાથી નજીકના પરિચિત બન્યા છીએ અને સંસ્થાની ભાવી જરૂરીયાતોનો વિચાર કરી શક્યા છીએ. હજુ સંસ્થામાં વધુ સારી સગવડો પૂરી પાડી શકાય તેવા પ્રયત્નો સૌ સાથી કાર્યકરોના રહ્યા છે. તે માટે સમાજે તન, મન, ધનથી સહકાર આપ્યો છે. તેવોજ સહકાર આવનાર દિવસોમાં આપતા રહેશો એવી મારી દિલની લાગણી વ્યક્ત કરું છું.
આપણો સમાજ શિક્ષણક્ષેત્રે ખુબજ પ્રગતિ કરી રહ્યો છે. જે ખુબ આંનદની વાત છે. સમાજના ઘણાબધા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી છે. હજુ વિશેષ સિદ્ધિઓ હાંસલ કરે તે માટે આપણે ભેગા મળી વ્યવસ્થા માટે વિચારવું રહ્યું. જીલ્લા મથકે આપણા સમાજના શૈક્ષણિક સંકુલો સારુ કામ કરી રહ્યા છે. જે બાબતે સમાજના મુરબ્બીઓ, દાતાશ્રીઓ શિક્ષણ બાબતે ખુબ રસ લે અને ઉત્તમ સગવડો ઉભી થાય, તેવા પ્રયત્નો કરે તે આજના સમય માટે ખુબ જરૂરી છે.
સમાજ ઘણા ઉદાર હાથે ફાળો નોંધાવે છે. સહયોગી છે. તેવી પ્રતિતિ આપણને થાય છે. સમાજે જે વિશ્વાસ મૂકી મને જવાબદારી સોંપી છે. તેને સાર્થક કરવાના અથાગ પ્રયત્નો હર હંમેશ રહેશે. માં અર્બુદા સૌને તન, મન, ધનથી સુખી કરે એવી મારી અંતરની લાગણીઓ છે. સમાજ ખુબ પ્રગતિ કરે એવી ઈચ્છાઓ સાથે સૌને મારા જાય માતાજી.
જેસીંગભાઈ વેલજીભાઈ ચૌધરી
પ્રમુખશ્રી
શ્રી અખિલ આંજણા સમાજ સેવા મંડળ, અંબાજી